અમારા માતુશ્રી
[1940 -2025]
*
તારીખ 16 ઓગષ્ટ, 2025 જનમાષ્ટમીના પાવન પર્વે બ્રાહ્મમુહૂર્તમાં અમારા માતુશ્રીએ એમની જીવનલીલા સંકેલી લીધી. એ પહેલાં, 6 ઓગષ્ટ પવિત્રા બારસના દિવસે વડોદરાના ઘરે મંદિરમાં નવા સ્વરૂપોની સ્થાપના થઈ રહી હતી એમાં મમ્મીએ ખુશખુશાલ ભાગ લીધો. કાર્યક્રમ જ્યારે પૂર્ણતા તરફ જઈ રહ્યો હતો ત્યારે-મને ચક્કર જેવું આવે છે-એમ કહ્યું. ને પછી અસ્વસ્થતા વધતાં હોસ્પિટલ લઈ જવાની પળ આવી ત્યારે જાણે અણસાર આવી ગયો હોય એમ મોટેથી બોલી, હે પ્રભુ, જવાનો સમય આવી ગયો કે શું … કોઈ મને પૂ. માનો અવાજ સંભળાવો, કોઈ બાવની બોલો, અને ભાઈ મોબાઈલમાં વગાડે એ પહેલાં જાતે જ બાવની બોલવા માંડી! (ગયા વરસે થયેલ brain stroke પછી એની યાદદાસ્ત લગભગ નહીં બરાબર હતી. એ કોઈને ખાસ ઓળખતી પણ નહીં.) … હોસ્પિટલમાં CT scan પછી નિદાન થયું કે મેજર બ્રેઈન હેમરેજ છે. ICU માં ત્રણ દિવસ રાખ્યા પછી એને ઘરે લઈ આવ્યા.
હું અમેરિકાથી ભારત આવવા નીકળ્યો ત્યારે બધાંને એમ હતું કે હું મોડો તો નહીં પડું ને. પણ પ્રભુકૃપાથી 12મીએ ભારત આવી ગયો, આવીને મમ્મીને કાનમાં કહ્યું કે હું આવી ગયો પણ આશિષ આપવા ઉઠતો હાથ સળવળ્યો નહીં. જીવનભરની દડમજલ પછી થાક ખાવા એ ઘસઘસાટ સૂઈ ગઈ હતી. હવે તો માત્ર પ્રાર્થના જ થઈ શકે એમ હતી. જીવનના પાછલા ઘણાં વરસો એણે સંતસેવામાં ખર્ચી દીઘેલાં. સત્સંગી પરિવારમાં સહુ એને માસીના હુલામણા નામે જાણે. પૂ.મા સાથે દશરથાચલ પર્વતની કઠિન યાત્રા કરનાર એ એકમાત્ર મહિલા હતી. પૂ.માનો ફોન આવ્યો તો મા કહે, મમ્મી શુભ મૂહૂર્તની પ્રતિક્ષામાં છે. અને ખરેખર જનમાષ્ટમીના પાવન પર્વે બ્રાહ્મ મુહૂર્તમાં ઋગ્વેદના મંત્રો, વિષ્ણુ સહસ્ત્રનામ તથા ગીતાના ધ્યાનયોગ પર યોગેશ્વરજીનું મનનીય પ્રવચન સાંભળી, અંતમાં શાંતિપાઠ થયો એની ગણતરીની પળોમાં અનંતની વાટ પકડી લીધી.
*
મમ્મી અચેતાવસ્થામાં કદાચ પ્રાર્થના ન કરી શકે તો? તો એના વતી પ્રાર્થનાના આ શબ્દો મારા મનની પૃષ્ઠભૂમિમાં સજળ આંખે ઉતરતાં ગયા, અને શ્વાસમાં ઘૂંટાતા રહ્યા.
*
*
મારી હિંમત ખૂટી જાય એ પહેલાં દોડી આવો
મારી ધીરજ ખૂટી જાય એ પહેલાં દોડી આવો
અતિ પ્રબળ તમારી માયા
એમાં જીવો અટવાયા,
જીવ તમને ભૂલી જાય એ (૨) પહેલાં દોડી આવો .. મારી હિંમત
સંકટમાં પ્રાણ છે મારો
પ્રભુ, આવી આપ ઉગારો,
ચિંતન ચિંતાનું થાય એ (૨) પહેલાં દોડી આવો .. મારી હિંમત
અંધારું ઘેરી વળશે
મારગ મુજને ના જડશે,
મારો શ્રદ્ધાદીપ બુઝાય એ (૨) પહેલાં દોડી આવો .. મારી હિંમત
‘ચાતક’ને ના તલસાવો
દર્શનથી ધન્ય બનાવો,
જીવ આકળવિકળ થાય એ (૨) પહેલાં દોડી આવો .. મારી હિંમત
આંખ આંસુથી ઉભરાય એ પહેલાં દોડી આવો
મારી પ્રાર્થના પૂરી થાય એ પહેલાં દોડી આવો
– દક્ષેશ કોન્ટ્રાક્ટર ‘ચાતક’
2 Comments